થ (થ થડનો થ )
થડ પકડીને ભોળો ભગલો,હલાવતો જ્યાં ઝાડ ;
પડે ઉપરથી નાળિયેરને
તૂટે એની ટાલ !
દ ( દ દડા નો દ )
દડો રૂપાળો કેવો મારો ,દડૂક દડૂક દડે ;
ઊંચે ઉછાળી ફેંકું તો તે
આકાશે જઇ અડે.
ધ ( ધ ધજા નો ધ )
ધજા તિરંગી જુઓ, ઉપરકેસરીયો સોહાય :
વચ્ચે શોભે સફેદ, નીચે
લીલુડો લ્હેરાય.
ન ( ન નગારા નો ન )
નગારાની નોબત વાગે,
વાગે મીઠો પાવો;
ઢોલ સાથે પડઘમ વાગે
ગીતો ગાવા આવો.
પ ( પ પતંગ નો પ )
પતંગ લઇને બાબુ ચાલ્યો ,
ફીરકી લીધી હાથે :
પેચ લડાવી પતંગ કાપે
ચંગુમંગુ સાથે.
ફ ( ફ ફટાકડા નો ફ)
ફટાકડા તો ફટફટ ફૂટે,
હવાઇ છોડી બહેને :
ફૂલ ઝરંતું તારામંડળ
મમ્મી લાવી દે ને!
બ (બ બકરી નો બ )
બકરી પેલી કાળી-ધોળી,
બેં...બેં... કરતી જાય;
સીમ ખેતરે ચરતીફરતી,
આલોપાલો ખાય.
ભ ( ભ ભમરડાનો ભ )
ભમરડો આ ભમતો ભમતો,
આગળપાછળ જાય ;
ફરતાં ફરતાં થીજે ત્યારે
ગું ગું કરતો ગાય.
મ (મ મરચાનો મ )
મરચું કહે હું લાલ-લીલું,
પહેરું ટોપી નાની ;
તીખું તીખું ભડકા જેવું
જીભ રહે ના છાની.
ય (ય યતિ નો ય)
યતિ ધોળાં કપડાં પહેરી ,
મંદિર-મઠમાં વસતા ;
દુનિયાથી બસ અળગા રહીને
વાત ધરમની કરતા.
ર ( ર રથ નો ર )
બે ઘોડા રથને જોડયા, ને
સરર સરર રથ ચાલે ;
એમાં બેઠા રાજા - રાણી
નગર વચાળે મ્હાલે.
લ ( લ લખોટા નો લ )
લખોટા રંગે રૂપાળા,
એ મને બહુ ગમતાં ;
ઘર આંગણે ગબી કરીને,
છોકરાં સાંજે રમતાં.
વ ( વ વહાણ નો વ )
વહાણ હાલકડોલક થાતું ,
દરિયા ઉપર તરતું ;
સફેદ એનો શઢ ફૂલે ત્યાં
સમીર સાથે સરતું .
શ ( શ શાહમ્રુગ નો શ )
શાહમ્રુગ છે પંખી મોટું
ઊડવાનું ના જાણે ;
ફાળ ભરંતું ભાગી જાતું
એને પકડવું શાને ?
ષ ( ષ ષટ્કોણ નો ષ )
ષટ્કોણ છ લીટીથી બનતો,
ખૂણા થાયે છ;
એવો સહેલો ષટ્ આવડે,
કોઇ રહે ના ઢ .
સ ( સ સસલાં નો સ )
સસલાભાઇ તો બીકણ ભારે,
કાતરી ખાતા પાન ;
ઉંદરભાઇના મામા એ તો,
લાંબા લાંબા કાન .
હ ( હ હરણ નો હ )
હરણું નમણું દેખાયે પણ,
લાંબી ભરતું ફાળ :
આંખો એની ચમકીલી ને
ઝડપી એની ચાલ .
ળ ( ળ નળ નો ળ )
ફળ માં જુઓ 'ળ' છુપાયો,
હળમાં પણ તે પેઠો ;
નળમાં આવ્યો ,જળમાં આવ્યો,
વાતો કરવા બેઠો .
ક્ષ ( ક્ષ ક્ષત્રિય નો ક્ષ )
ક્ષત્રિયો શૂરવીર ગણાતાં,
લડાઇ ભારે લડતાં ;
ગામ ઉપર જ્યાં આફત આવે,
ત્યારે રક્ષણ કરતાં.
જ્ઞ (યજ્ઞ નો જ્ઞ )
યજ્ઞ કરે જે મોટો રાજા,
લોકો આપે માન ;
જેની જેવી શક્તિ એવું,
મળતું એને જ્ઞાન .
No comments:
Post a Comment